જો...તો....
જો આમ થયું હોત...તો ચોક્કસ આમ થાત... જો છેલ્લી ઓવર બુમરાહને આપી હોત તો ભારત જીતી જાત!
આપણું આખું જીવન આ જો અને તો વચ્ચે અથડાયા કરે છે.
એ વખતે અમદાવાદના રિંગ રોડ પર જમીન માત્ર દસ હજાર રૂપિયાની વિધો હતી. જો દાદાએ લીધી હોત તો આજે અમે કરોડપતિ હોત! (ભાઈ ...દાદા પાસે તે વખતે સો રૂપિયા નહોતા અને દસ હજાર કેવી રીતે કાઢે? એક કામ કર..હવે તું અત્યારે લઈ લે એટલે તારા પૌત્રોને કામ આવે!) જેમ અત્યારે આપણી સ્થિતિ છે એવી જ સ્થિતિ તે વખતે તેમની હતી. પણ જો આમ કર્યું હોત તો આમ થાત! પણ હવે તમે કરોને? તમને કોણે રોક્યા છે? તમે લઈ લો દસ વિઘા અત્યારે?
જો ગાંધીજીએ આમ નિર્ણય લીધો હોત તો દેશની આ દશા ન થઈ હોત! કબૂલ...તારી વાત.. હવે એક કામ કર હવે તું આ દેશની દશા બદલ. કરવું કંઇ નહીં અને હંમેશા રોદણાં રોતાં રહેવું... ભૂતકાળના નેતાઓને ગાળો દેવી પણ હરામ બરાબર જો ગાંધી વિશે એક પુસ્તક પણ વાંચ્યું હોય!
પોતાનાં પરિવાર માટે અમુક સારાં નિર્ણયો પણ કરી શકે નહીં, પોતે એક સારા માણસ- એક સારા લીડર પણ બની શકે નહીં અને આખા ગામની પંચાયત કરવા બેસી જાય.
જો સરદાર વડાપ્રધાન હોત તો આજે દેશ... ફલાણી જગ્યાએ પહોંચ્યો હોત! દેશ ઈમાનદાર બની ગયો હોત.. વગેરે વગેરે વિચારે, પણ પોતે પ્રામાણિકતા સાથે tax ભરે નહીં.. પોતે સામાન્ય કહી શકાય એવા ટ્રાફિકના નિયમોનું પણ પાલન ન કરે સીટ બેલ્ટ ન પહેરે, હેલમેટ ન પહેરે, ક્રોસિંગમાં ઘૂસણખોરી કરે અને અપેક્ષા રાખે કે કોઈ આવી આ દેશનો ઉદ્ધાર કરી જાય!!!
આ દેશની મોટાભાગની પ્રજા ભુવા,બાવાઓ અને જ્યોતિષો પાસે તેમના જીવન ઉદ્ધારની અપેક્ષા રાખતી હોય ત્યાં સરદાર વડાપ્રધાન થઈ ગયા હોત તો પણ આપણે શું ઉખાડી લીધું હોત?
જો પંડિત જવાહરે આમ ન કર્યું હોત તો દેશનું આમ ન થયું હોત! જાણે તમે તો ઘરના બધા નિર્ણયો સાચા જ લેતા હોય! પોતે જાણે દૂધે ધોયેલા હોય! જ્યાં મોકો મળ્યો નહીં અને પોતાના ફાયદો શોધી લીધો હોય!
યાદ રહે કે શિક્ષક બની ઈમાનદાર બનવું સહેલું છે. પોલીસમાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચ્યા પછી શ્રી હસમુખ પટેલ કે શ્રી સુધા પાંડે થવું આસન નથી. સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેસી લાખોની ઓફર ઠોકરાવીને પ્રમાણિકતાથી કામ કરવું એવા શ્રી જગદીશ બારોટ થવું તે આસન નથી. દર મહિને લાખોના હપ્તા આવતા હોય અને છતાં તેને ટચ પણ ન કરવા તેઓ સાચી અનાસક્તિને જીવનમાં ઉતારી છે. અને આવા લોકોને દેશ માટે ...જો .... અને તો... બોલવાનો અધિકાર છે. બાકી ઊંધું ચત્તું કરી પૈસા ભેગા કરી મોટી કથાઓ કરાવવાથી થોડું છૂટી જવાયા! સમય આવ્યે તેનો હિસાબ કુદરત કરી જ દે છે!
જો.. તો... બોલી ભરી સભામાં અજ્ઞાનતાનું પ્રદર્શન કરતા લોકોનો અહીં ટોટો નથી! આંબેડકર સાહેબે બંધારણમાં જો આમ કર્યું હોત તો....આમ થાત... ભાઈ આટલી ડિગ્રી મેળવ્યા પછી એ માણસ ધારત તો વિદેશમાં કોઈ સારી નોકરી લઈ લીધી હોત અને તેમના પરિવાર સાથે ટેસડાથી જીવ્યા હોત. પણ બધું છોડી અહીં દેશ માટે આવ્યા અને અનેક અગવડોમાં રસ્તો કાઢ્યો. ગાંધી ત્યાં વકાલત કરી હોત તો ટેસથી જીવન પસાર કરત. પણ તેઓ આવીને દેશ માટે કોઈને કોઈ એક્શન લીધી. અહીં તો કેનેડા અને ઓસ્ટ્રેલિયાની ફાઈલો કરી દેશ પ્રેમની વાતો કરે છે... ભારતીય સંસ્કૃતિના ગુણગાન ગાનારાના છોકરાઓ વિદેશ ભણે છે.... પાછા... કહે છે...જો ....તો...
જો દસમામાં મારું ટ્યુશન હોત તો આટલા ટકા આવ્યા હોત. આનો મતલબ એ કે ટોપમાં આવવા વાળા તો આખો દાડો ટ્યુશનિયા શિક્ષકની ઘરે જ રહેતા હશે ને?
જીવનમાં બ્લેમ કરવાની એક ફેશન શરૂ થઈ ગઈ છે. સમજ્યા વગર વિરોધ કરે અને સમજ્યા વગરનું જીવન જીવ્યે રાખે. અને પાછા જો... તો....બોલતા રહે...
જો મારી પાસે આટલા રૂપિયા હોત તો હું આમ કરી નાખત! તો તને એટલા રૂપિયા ભેગા કરવા કોણે રોક્યો છે? કરી લે ને ભાઈ? પછી આખા સંસારનો ઉદ્ધાર કરી નાખ. બીજું શું?
આ સંસારમાં આવીને વિદાય લીધી હોય કે હયાત હોય એવા કોઈ મહાન માણસે જો ...આમ હોય ...તો...હું આમ કરું...એવું નથી કહ્યું. તેમણે પોતે જ બદલાવનો પ્રયાસ કર્યો છે. શું કરું લોકો જ પ્રમાણિક નથી ત્યાં ઈમાનદારીથી ધંધો કેવી રીતે કરવો? જો મને ...આવા પ્રામાણિક લોકો મળે તો...હું નૈતિકતાથી ધંધો કરી શકું? આવું રતન ટાટાએ ક્યારેય નથી કહ્યું.
જો... તો..... નો ઉપયોગ કરવો ..તેનો એક મતલબ એ પણ કરી શકાય કે આપણે આપણી હાલની પરિસ્થિતિનો બ્લેમ ભૂતકાળ પર કે કોઈની પર ઢોળીએ છીએ. જીવનની જવાબદારી લેવાનો અભાવ.
ટૂંકમાં... આપણે એ વિચારવું રહ્યું કે આપણે આપણા જીવની જવાબદારી લઈએ છીએ ખરાં?
આપણે પણ ક્યાંક આ જો અને તો... નો ઉપયોગ વારંવાર તો નથી કરતા ને?
(નોંધ : મેં પણ લખતાં પહેલાં એવું નથી વિચાર્યું કે જો લોકો વાંચે તો હું લખું?
મેં વિચાર્યું કે અરે લખને ભાઈ? લોકોને સારું લાગશે તો વાંચશે અને બીજાને share કરી વંચાવશે..)



