ભીતરનો ભેરુ...
Suresh Prajapati·7 નવેમ્બર, 2026

ભીતરનો ભેરુ...
જેમ કસ્તુરીમૃગ જીવનભર સુગંધની શોધમાં ભટકતું રહે છે અને અંતે તેને ખ્યાલ આવે છે કે જે સુગંધ માટે તે જીવનભર તડપતું રહ્યું, તે તો તેની પોતાની નાભિમાં જ હતી, તેમ માણસ પણ આખી જિંદગી ખુશીની શોધમાં બહાર ભટકતો રહે છે. ઘણી વાર અંતે તેને સમજાય છે કે ખુશીનો આધાર માત્ર બહારની પરિસ્થિતિઓમાં નહીં, પણ પોતાની અંદરની સમજણ અને અભિગમમાં પણ રહેલો છે.
કોઈના સારા શબ્દોમાં, કોઈના પ્રેમમાં, કોઈની પ્રશંસામાં, કોઈની સ્વીકૃતિમાં કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈની એક લાઇક મેળવવામાં ફાંફાં મારતા લોકો પોતાની ખુશીનો આધાર ઘણી વાર બીજાઓ પર રાખે છે. જ્યારે કોઈ આપણી અપેક્ષા પ્રમાણે વર્તે છે ત્યારે આપણે ખુશ થઈએ છીએ અને જ્યારે કોઈ આપણા મન પ્રમાણે વર્તતું નથી ત્યારે દુઃખી થઈએ છીએ.
આમ, આપણે આપણી ખુશીની ચાવી બીજાઓના હાથમાં સોંપી દઈએ છીએ. જ્યારે આપણે ખુશી માટે બીજાઓ પર અવલંબિત હોઈએ છીએ, ત્યારે આપણી ખુશી પણ તેમના વર્તન સાથે જોડાઈ જાય છે. બીજાઓનું વર્તન, વિચારો અને નિર્ણયો આપણા નિયંત્રણમાં નથી. બીજાઓ આપણને પ્રેમ આપે, સહકાર આપે અને આપણી કદર કરે એવી ઇચ્છા રાખવી સ્વાભાવિક છે; પરંતુ તેઓ આવું કરે તો જ હું ખુશ રહી શકું, એવી માન્યતા આપણને પરાધીન બનાવે છે.
પોતાની ખુશી માટે બીજાઓની હાજરીનો આનંદ લેવો અને પોતાની ખુશી માટે બીજાઓની હાજરી અનિવાર્ય બનાવી દેવી, આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ જ વિવેક છે.
જીવનમાં ક્યાં અવલંબન રાખવું અને ક્યાં પરસ્પરાવલંબન સ્વીકારવું એ સમજવું ખૂબ જરૂરી છે. શ્વાસ લેવા માટે હવા પર, જીવન ટકાવી રાખવા માટે પ્રકૃતિ પર અને જીવન જીવવા માટે નજીકના સંબંધો પર આપણે અવલંબિત છીએ. માણસ સંપૂર્ણપણે સ્વતંત્ર રહી શકે તેમ નથી. જીવનમાં આપણને એકબીજાની જરૂર પડે છે. પરંતુ આ સંબંધો પરસ્પરાવલંબનના હોવા જોઈએ, પરાધીનતાના નહીં.
સંબંધોમાં પ્રેમ હોય, થોડો માલિકીભાવ પણ હોય, પરંતુ એ માલિકીભાવ સામેની વ્યક્તિની સ્વતંત્રતા છીનવી લે તેવો (ટોક્સિક માલિકીભાવ) ન હોય; સહકાર હોય, પણ પોતાની ઓળખ ગુમાવીને નહીં; અપેક્ષાઓ હોય, પણ સામેની વ્યક્તિને પોતાની ઇચ્છા પ્રમાણે ચલાવવાનો દુરાગ્રહ નહીં.
બીજાની મદદ સ્વીકારવી એ નબળાઈ નથી, પરંતુ પોતાની ખુશીનો સંપૂર્ણ આધાર બીજાની મંજૂરી, હાજરી કે વર્તન પર રાખવો એ માનસિક પરાધીનતા છે.
સ્વસ્થ સંબંધ એ નથી જેમાં આપણે એકબીજા વિના જીવી ન શકીએ; સ્વસ્થ સંબંધ એ છે જેમાં આપણે સ્વતંત્ર રીતે જીવી શકીએ અને છતાં એકબીજા સાથે જીવવાનું પસંદ કરીએ.
ખુશી માટે જીવનની એક સમજદારીભરી વિચારધારા અપનાવવી જરૂરી છે. I am responsible for my life. મારા જીવનની જવાબદારી મારી છે અને મારી ખુશી માટે પ્રયત્ન કરવાની જવાબદારી પણ મારી જ છે.
એનો અર્થ એવો નથી કે જીવનમાં બનતી દરેક ઘટના માટે હું જ જવાબદાર છું અથવા બીજાઓના વર્તનની મારા પર કોઈ અસર થવી જ ન જોઈએ. આપણા નજીકના લોકોના વર્તનની આપણા પર અસર થવી સ્વાભાવિક છે. કોઈની વાતથી દુઃખ થઈ શકે છે, કોઈના વર્તનથી નિરાશા થઈ શકે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં માનસિક શાંતિ જાળવવી મુશ્કેલ પણ બની શકે છે.
પરંતુ કોઈ ઘટના બને ત્યારે તેના વિવિધ પાસાઓને તપાસવા, હકીકત અને પોતાના વિચારો વચ્ચેનો તફાવત સમજવા અને પોતાના વિચારોને યોગ્ય દિશા આપવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. જરૂર પડે ત્યારે પરિસ્થિતિથી દૂર થવું, પોતાની મર્યાદાઓ નક્કી કરવી કે મદદ લેવી તે પણ આપણી સમજદારીનો જ એક ભાગ છે. આપણી માનસિક શાંતિ જાળવવા માટે આપણે શું કરી શકીએ? તેની જવાબદારી સ્વીકારવી કે તેને સંપૂર્ણપણે બીજાઓના હાથમાં સોંપી દેવી, એ પસંદગી આપણા હાથમાં છે.
કોઈના શબ્દોથી દુઃખ થાય તો એ દુઃખને સ્વીકારવું, જરૂર પડે તો પોતાની વાત સ્પષ્ટ કરવી, સીમાઓ નક્કી કરવી અને પછી ધીમે ધીમે એ અનુભવમાંથી બહાર આવવું એ પણ પોતાની જવાબદારીનો જ ભાગ છે. દરેક વખતે કોઈ મને સમજાવે, પ્રોત્સાહિત કરે કે ખુશ કરે એની રાહ જોવાને બદલે હું મારી જાતને સમજતાં, સ્વીકારતાં અને પ્રોત્સાહિત કરતાં શીખું.
બહારની દુનિયા અનુકૂળ હોય ત્યારે ખુશ રહેવું સહેલું છે; પરંતુ પરિસ્થિતિ અનુકૂળ ન હોય ત્યારે પણ પોતાની લાગણીઓને સમજતાં અને માનસિક સંતુલન જાળવવા પ્રયત્ન કરતાં શીખવું એ જીવનની સાચી કળા છે.
આપણી અંદર રહેલા સમજણના આ સાથી એટલે કે ‘ભીતરનો ભેરુ’ને આપણે ઓળખવાનો છે. એ આપણને યાદ અપાવે છે કે દુનિયા હંમેશાં આપણા મન પ્રમાણે નહીં ચાલે, લોકો હંમેશાં આપણી અપેક્ષા પ્રમાણે નહીં વર્તે, છતાં આપણે આપણી ખુશી, માનસિક શાંતિ અને જીવનની દિશા માટે સભાનતાપૂર્વક પ્રયત્ન કરી શકીએ છીએ.
કારણ કે અંતે, મારી ખુશીની ચાવી માત્ર બીજાના હાથમાં નથી, પરંતુ મારા વિવેક, મારા અભિગમ અને જીવન પ્રત્યેની જવાબદારી સ્વીકારવામાં રહેલી છે.
સુરેશ પ્રજાપતિ
આકાર
9426709778



