સુખનું અક્ષયપાત્ર આપણી ભીતરમાં છે, જો કે સદીઓથી આપણે તેને બહાર શોધવા માટે મથામણ કરતા આવ્યા છીએ. આપણી પાસે ઘડો છે પણ આપણે ઊંધો મૂકીને બેઠા છીએ એટલે તેમાં પાણી કેવી રીતે સમાય? પાણી આવે છે પણ વહી જાય છે.
આપણા જીવનની મુખ્ય ત્રણ સમસ્યા છે: પહેલી સમસ્યા એ છે સુખ એટલે શું? તે ખબર નથી. બીજી સમસ્યા એ છે કે સાચુ સુખ ક્યાંથી મળે છે તેની ખબર નથી.
અને
ત્રીજી સમસ્યા એ છે કે આપણી તલાશ નિરંતર સુખની છે પરંતુ હંગામી સુખમાં જ જીવનભર ભટક્યા કરીએ છીએ. ટૂંકમાં, સાચા અર્થમાં સુખ કોને કહેવાય તે સમજીએ ત્યાં તો જીવન પૂરું થઈ જાય છે.
સુખ એટલે આપણા માટે અનુકૂળ પરિસ્થિતિ એટલે કે અનુકૂળ સંવેદન અને દુઃખ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે કે પ્રતિકૂળ સંવેદન.
આપણા સુખ અને દુઃખ આ સંવેદનની આસપાસ રહે છે મોટેભાગે તો આપણી શરીરની જરૂરિયાતોની આસપાસ જ આપણી આ સંવેદનાઓ વહેતી રહેતી હોય છે, તેનાથી ઉપર આપણે ઊઠી શકતા નથી અથવા તો ઊઠવા માગતા નથી. એનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે આપણા સૌનું માઈન્ડ પ્રોગ્રામિંગ બાળપણથી થઈ જાય છે કે સુખ માત્ર ઇન્દ્રિયોમાં છે, સુવિધામાં છે. એને કારણે આપણે જાણે અજાણ્યે મનને સમજવામાં થાપ ખાઇ જઈએ છીએ.
પિતાજી ઓફિસે જવા નીકળે એટલે નાનું બાળક તેમની સાથે જવા માટે જીદ પકડે. છેવટે સમાધાન માટે કોઈ રસ્તો તો શોધવો પડે ને? પિતાજી પાસે સરળ રસ્તો છે કે તેને ઓફર કરવામાં આવે કે બોલ જો તારા માટે સાંજે ઓફિસથી પરત આવું ત્યારે શું લાવું?
બાળક કહે છે, મારા માટે ચોકલેટ લેતા આવજો. બાળકની ડિમાન્ડથી પિતાજી પણ ખુશ થઈ જાય છે કે બહુ સસ્તામાં સોદો પત્યો. આમ, બાળક રાજી થઈ જાય છે અને એના પિતા પણ રાજી થઈ જાય છે.
આપણું છીછરાપણું ગાડી, સાડી, મોબાઈલ, ટીવી, ફ્રીજ કે આવી ચીજોમાં વ્યક્ત થાય છે. આનો કહેવાનો મારો મતલબ એ નથી કે આ નકામું છે. પણ આપણે મનુષ્ય અવતાર માત્ર તેની પ્રાપ્તિ માટે નથી મળ્યો.
આમ જોઈએ તો આજે મોટા થઈએ એટલે આપણે પણ બાળકની જેમ ચોકલેટની આસપાસ જીવન રાખીએ છીએ. માત્ર ચોકલેટનો પ્રકાર જ બદલાય છે પણ મૂળભૂત રીતે તો આપણે ચોકલેટની આસપાસ જ જીવન જીવીએ છીએ.
પ્રકૃતિ આપણને બધું જ આપવા બેઠી છે પણ આપણે પ્રકૃતિ પાસે માત્ર ચોકલેટ માગીએ છીએ અને ખૂબ હરખાઈ જઈએ છે. કદાચ પ્રકૃતિને પણ આપણી પર હસવું આવતું હશે. ક્યાંક સામાન્ય બાબતમાં સમગ્ર મનુષ્ય જીવન બરબાદ કરી રહ્યા નથી ને એ આપણે વિચારવું રહ્યું. પણ શું થાય? આપણે ઉપર આવું જ નથી અને ફાલતુ બાબતોમાં જીવન પૂરું કરી નાખવું છે. જીવન જીવવું નથી પણ જીવન પૂરું કરી નાખવું છે.
સુરેશ પ્રજાપતિ
આકાર
9426709778



